મકરસંક્રાંતિ – ઉત્તરાયણ

happy_sankranti

એક દોર હાથમાં, એ ફરકી એના સાથમાં

બીજો દોર આભમાં, એ પતંગ એના સાથમાં

ગયો ગયો ને કપાઈ ગયો એ…….

બીજો ગયો ને ગયો કપાઈ એ……

પણ, આવ્યો એક સુતમ દોરીએ

રાતો રાતો ને લીલી ચમકે એની કોર

ધોળો તો દોર છે મજાનો……..

લાવો……..લાવો……..

એ રાષ્ટ્રધ્વજ છે મારો !!!

0022

મકરસંક્રાંતિ એ ઓછા ખર્ચે છતાં વધુ આનંદથી ઊજવી શકાય તેવો હિંદુઓનો લોકપ્રિય ને જીવતો તહેવાર છે. કુદરતમાં થતાં ફેરફારને અહી સમાજજીવન સાથે ગૂંથી લેવામાં આવ્યો છે. આ તહેવાર પ્રતિવર્ષ પોષ મહિનામાં એટલે કે 14 મી જાન્યુઆરીના દિવસે ઊજવાય છે. મકર સંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર છે. ભારત અને એશિયાનાં અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે. સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાન્તિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશીમાંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે. ત્યારે ઉત્તરાયણ શરૂ થાય છે કારણકે આ સમયે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે.

એક દૃષ્ટિએ જોઈએ તો મકરસંક્રાંતિ એ વિજયનો તહેવાર છે. કાકાસાહેબ કાલેલકર લખે છે, “મકરસંક્રાંતિ એ દિવસનો રાત્રિ ઉપરનો વિજય, તડકાનો ટાઢ ઉપરનો વિજય, પ્રવૃત્તિનો નિદ્રા ઉપરનો વિજય સૂચવે છે.” આ દિવસથી દિવસો મોટા થવા લાગે છે ને રાત્રિઓ નાની થવા લાગે છે. તે દિવસથી સૂર્યદેવ દક્ષિણના બંધનમાંથી મુક્ત થઈ ઉત્તર તરફ આવે છે. મકરસંક્રાંતિ એટલે આ મુક્તિનો આનંદ.

બીજી દૃષ્ટિએ જોઈએ તો મકરસંક્રાંતિ એટલે આબાલવૃદ્ધ સૌની પતંગો સાથેની દોસ્તી. ભારતમાં માત્ર શહેરોમાં જ નહિ, ગામડે ગામડે અને નાના નાના કસ્બાઓ સુધી પતંગની બોલબાલા ! સૌ ધર્મના લોકો પતંગોત્સવને પોત-પોતાની રીતે ઊજવે છે. ઉત્તરાયણના દિવસનું આકાશ એટલે જાણે પતંગમેળો ! ઉત્તર ગોળાર્ધમાં પવનની દિશા મરડાતા, અરુણોદય થતાં પહેલા તો આકાશ નાના મોટા રંગબેરંગી પતંગોથી ઊભરાઈ જાય છે. આ દિવસે લાખો લોકો છત અને અગાશીઓ પર ચઢી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે. આખો દિવસ “કાપ્યો છે!” “એ કાટ્ટા!” “લપેટ લપેટ” જેવી વિવિધ કિકિયારીઓ સાંભળવા મળે છે. આકાશ ઇન્દ્રધનુષની માફક રંગબેરંગી પતંગો વડે છવાઇ જાય છે. પતંગોની પેચ લેવાય છે. પતંગો કપાય છે એના આનંદમાં દોરી-પતંગ પાછળનો ખર્ચ લોકો ભૂલી જાય છે. કેટલાકને કપાયેલા પતંગ ને દોરી લૂંટવામાં તેથી પણ વિશેષ આનંદ મળે છે.

ક્યારેક આ દિવસોમાં ક્રિકેટની ટેસ્ટ મેચ રમાતી હોય તો રનિંગ કોમેન્ટ્રી સાંભળવા છાપરા પર લાઉડસ્પીકરો મૂકાય ને ધાબા પર રેડિયો વાગે ! નીચે ઉતરે એ બીજા ! ખાવાનું પણ ધાબે ને પતંગની મજા માણવાની પણ ધાબે ! વળી, ઊંધિયાની સિઝન જામી હોય એટલે સોનામાં સુગંધ ભળે ! ટૂંકમાં આખા વર્ષનો અત્યંત લોકપ્રિય અને બાળકો માટેનો સર્વોત્તમ દિન એટલે ઉત્તરાયણ ! ઉન્નતિના પ્રતિક સમા આ પતંગો મનુષ્યને ઊંચે ચડવાની પ્રેરણા આપી જાય છે.

ગુજરાત રાજ્ય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે. આમાં ઉતરાયણ એ બધા લોકો માટે મહત્વનાં તહેવારોમાંનો એક છે. આ એક હળીમળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર છે. લોકો આખો દિવસ પોતાની પતંગ ઉડાડવાની કલાનું અન્ય ઉડતી પતંગોને કાપીને પ્રદર્શન કરે છે. રાત્રે પણ આ ક્રમ આનંદભેર ચાલતો રહે છે. શોખીનો રાત્રે કાળા અંધારા આકાશમાં સફેદ પતંગો અથવા પતંગ સાથે બાંધીને ‘ફાનસ'(કાગળનો દિવો) ઉડાડે છે. ઉતરાયણનો બીજો દિવસ (૧૫ જાન્યુઆરી) ‘વાસી ઉત્તરાયણ’ તરીકે મનાવાય છે. આમ સતત બે દિવસ આ આનંદમય તહેવારની ઉજવણી ચાલે છે.

પતંગની મજા જો જો બની ના જાય સજા :-

ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં અગાશીઓ, અટારીઓ, આંગણાઓ, જાહેર રસ્તાઓ, ગામની ભાગોળો પતંગ ચગાવનારાઓથી ખીચોખીચ ઉભરાઈ જાય છે. બાળકો, મોટેરાઓ સૌ આનંદના અતિરેકમાં ગાંડાઘેલા બને છે. પરિણામે સર્જાય છે કરુણ અકસ્માતો ! કપાયેલો પતંગ કે દોરીને લૂંટવા જતાં અગાશી પરથી ધરતી સાથે બાથ ભીડે છે, વાહનની અડફેટમાં આવે છે ને મરણને શરણ થાય છે. માટે વડીલોએ બાળકોની સાથે રહી તેનું ધ્યાન રાખવું જોઈએ.

તેમજ ગગનવિહારી પક્ષીઓ પાસેથી જાણે આકાશ છીનવાઈ જતાં તેઓ દોરીથી ઘાયલ થાય છે કે મૃત્યુ પામે છે. કેટલાક લોકો પોતાનો પતંગ કપાઈ ના જાય માટે ચાઇનીઝ દોરી વાપરે છે જે પક્ષીઓનું જીવન છીનવી લે છે. આપણા આનંદ અને ઉત્સાહમાં આપણે પક્ષીઓ અને આપણી સલામતી જાળવીએ તો તહેવારની ખરી મજા માણી શકીશું.

વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ :-

મકરસંક્રાંતિના પર્વમાં તલ, તલસાંકળી, સિંગની ચીકી, કચરિયું વગેરે પૌષ્ટિક વસ્તુઓ ખાવાનું મહત્વ છે. લોહીનું મંદ થયેલું પરિભ્રમણ તલ ખાવાથી સામાન્ય બને છે. તલમાં સ્નિગ્ધતાનો ગુણ છે. તેમજ ખુલ્લામાં પતંગ ચગાવવાથી શરીરને સૂર્યસ્નાન સાંપડે છે. આમ, મકરસંક્રાંતિની ઉજવણી પાછળ શરીર વિજ્ઞાનનો વિચાર કરવામાં આવ્યો છે. મકરસંક્રાંતિ એટલે વિકાસમાર્ગ પર સૃષ્ટિનું પ્રયાણ. તેથી તે આપણને સ્વાસ્થ્ય, ઉન્નતિ, આનંદ, સમૃદ્ધિ વગેરે પ્રાપ્ત કરવાનો સંદેશ આપે છે.

દાનનો મહિમા :-

આ પર્વ દાનપુણ્યનું પર્વ છે. લોકો ઘેર માગવા આવતા બ્રાહ્મણોને સારી એવી દક્ષિણા આપે છે. ભાવિક હિંદુ ધર્મપ્રેમીઓ આ દિવસે ગાયોને ઘાસપૂળા ખવડાવે છે. ગરીબોને દાન અપાય છે. ઘણા ભાવિકજનો એ દિવસે પ્રયાગ જેવા પવિત્ર સ્થળોએ જઈ સ્નાન કરી પવિત્ર થાય છે. લોકો જૂની વાતો ભૂલી જઈ એકબીજાને તલસાંકળી આપીને નવા સ્નેહસંબંધો ખીલવવાની પ્રતિજ્ઞા લે છે. તલસાંકળી, શેરડી, જામફળ, શિંગોડા વગેરેની લહાણી કરવી અને એ રીતે બાળકોને ખુશ કરવા એ પણ આ દિવસની એક વિશિષ્ટતા છે. આ દિવસે તલના લાડુમાં પૈસો મૂકીને અપાય છે. એમાં ગુપ્ત દાનનો મહિમા સમાયો છે.

મકર સંક્રાન્તિનો મહત્વપુર્ણ સમય, પરિવર્તનનો, જુનું તજી અને નવું અપનાવવાનો સમય છે. ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની મિઠાઇઓ, ખાધ પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે, બહેન-દિકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે આ ઉપરાંત ઘઉંની ધુધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે.

ભારતનાં અન્ય પ્રાંતોમાં આજનાં દિવસે માલિક પોતાનાં નોકરોને અન્ન,વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન-ભેટ સ્વરૂપે આપે છે.મકર સંક્રાન્તિનાં પછીનાં દિવસે પશુ-પ્રાણીઓ,ખાસતો ગાયને પણ યાદ કરાય છે.નાની બાળાઓનાં હસ્તે પશુ,પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે.

પતંગનો ઈતિહાસ :-

માનવીમાં સંશોધનાત્મક અને સર્જનાત્મક શક્તિ છે. પંખીને હવામાં ઊડતા જોઈ બીજી કોઈ ચીજ પણ આ રીતે ઉડાડી શકાય તેમ લાગતા તે અંગેના વિવિધ પ્રયોગો બાદ ચીનમાં પતંગની શોધ થઈ. ઈ.સ. 618 થી 907 દરમ્યાન પતંગ સ્પર્ધા ત્યાં રાષ્ટ્રીય રમત બની ગઈ. ચીનમાં પતંગને બર્ગોન કહે છે. ત્યાના ઘણા લાંબા પતંગ ડ્રેગન કાઈટ (રાક્ષસી પતંગ) તરીકે જાણીતા છે. સૂર્ય, વિમાન, ગરુડ વગેરે વિવિધ આકારના પતંગો ત્યાં બને છે.

પતંગ ચગાવવાની શરૂઆત અઢી હજાર વર્ષ પહેલા ચીનમાં થઈ હતી. ચીનમાં કાગળ અને રેશમની શોધ સૌ પ્રથમ થઈ હતી. ચીનમાં વાંસ પણ પુષ્કળ થાય છે. આ ત્રણે વસ્તુઓ સહેલાઈથી મળતા ચીનમાં કાગળના પતંગ બનાવવાની શરૂઆત થઈ. ચીનમાં પાંચમી સદીમાં મોઝી અને લુંબાન નામના સાધુઓએ પ્રથમવાર કાગળના પતંગ ચગાવ્યાની ઇતિહાસમાં નોંધ છે. 16 મી અને 17 મી સદી દરમ્યાન પતંગ ચગાવવાની પ્રથા વિશ્વના ઘણા દેશોમાં પરંપરા બની ગઈ. રાઇટ ભાઈઓએ વિમાનની શોધ પણ પતંગમાંથી પ્રેરણા લઈને કરેલી.

ઈ. સ. 1860 થી 1910 નો ગાળો પતંગ માટે સુવર્ણકાળ બન્યો. વિજ્ઞાનીઓ હવામાનનો અભ્યાસ કરવા, એરીયલ ફોટોગ્રાફી કરવા, વિમાનના મોડેલો બનાવવાના પ્રયોગો કરવા પતંગનો ઉપયોગ કરવા લાગ્યા. પતંગની જેમ ઉડતા ગ્લાઈડર પણ શોધાયા, બીજા વિશ્વયુધ્ધમાં પતંગનો ઉપયોગ સંદેશા મોકલવા માટે પણ થવા લાગ્યો. બેન્જામીન ફ્રેન્ક્લીને વાવાઝોડામાં પતંગ ચગાવી આકાશમાં થતી વીજળીમાં કરંટ હોવાની શોધ કરેલી. આમ, પતંગ સદીઓથી આકર્ષણનું કેન્દ્ર બની છે.

મકરસંક્રાંતિ – ઉત્તરાયણ નો લેખ અહી સમાપ્ત થાય છે. આપનો અભિપ્રાય/પ્રતિભાવ ચોક્કસ જણાવો. આપ tweet, Google, Facebook પર Share અને Like પણ કરી શકો છો.

GD Star Rating
loading...
મકરસંક્રાંતિ - ઉત્તરાયણ, 8.0 out of 10 based on 25 ratings

તમને આ પણ ગમશે:

Tags: , , , , , , , ,

Trackback from your site.

Comments (1)

  • Avatar

    dhiren

    |

    લેખ ખરેખર ગમ્યો …મકરસંક્રાંતિ વિષે વધુ જાણવા મળ્યું ..

    Reply

Leave a comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)